11:116-117 જ્યાં સુધી સુધારણા કરનારાઓ કોશિશ કરતાં રહશે ત્યાં સુધી અઝાબ નહીં આવે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 116, 117
=====================
فَلَوۡ لَا كَانَ مِنَ الۡقُرُوۡنِ مِنۡ قَبۡلِكُمۡ اُولُوۡا بَقِيَّةٍ يَّـنۡهَوۡنَ عَنِ الۡفَسَادِ فِى الۡاَرۡضِ اِلَّا قَلِيۡلًا مِّمَّنۡ اَنۡجَيۡنَا مِنۡهُمۡ ۚ وَاتَّبَعَ الَّذِيۡنَ ظَلَمُوۡا مَاۤ اُتۡرِفُوۡا فِيۡهِ وَكَانُوۡا مُجۡرِمِيۡنَ (116)
وَمَا كَانَ رَبُّكَ لِيُهۡلِكَ الۡقُرٰى بِظُلۡمٍ وَّاَهۡلُهَا مُصۡلِحُوۡنَ (117)
(116). તો પછી શા માટે તે કોમોમાં, જે તમારા અગાઉ થઈ ચૂકી છે, એવા ભલા માણસો ન રહ્યા જેઓ લોકોને ધરતી ઉપર ફસાદ ફેલાવવાથી રોકતાં? સિવાય થોડાંક લોકો જેમને અમે બચાવી લીધા, અને જાલિમ લોકો તો તે વસ્તુ પાછળ પડી ગયા, જેમાં તેમને મોજ-મસ્તી હતી અને તેઓ ગુનેગાર હતાં.
(117). તમારો રબ એવો નથી કે કોઈ વસ્તીને જુલમથી તબાહ કરી દે, જ્યારે કે ત્યાંના લોકો સુધારણા કરનારા હોય.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"સિવાય થોડાંક લોકો જેમને અમે બચાવી લીધા" એટલે કે પાછલી કોમોમાં એવા નેક માણસો કેમ ન થયાં જે બુરાઈ કરનારાઓની બુરાઈથી અને ફસાદ(બગાડ) થી રોકતાં ? પછી ફરમાવવામાં આવે છે કે આવા લોકો તો હતાં પણ થોડાંક જ હતાં જેઓને અમે તે સમયે બચાવી લીધેલા જ્યારે અન્યને અઝાબ થી તબાહ કરી નાખ્યાં.
"જેમાં તેમને મોજ-મસ્તી હતી અને તેઓ ગુનેગાર હતાં" એટલે કે એ જાલિમો, પોતાના જુલમ પર કાયમ અને પોતાની મોજ મસ્તી માં મસ્ત રહ્યા કે ત્યાં સુધી અઝાબે તેમને દબોચી લીધા. (અહસનુલ બયાન)
જ્યાં સુધી કોઈ કોમમાં ઈસ્લાહ (સુધારણા) કરનારાઓ હાજર હોય અને તેઓ સુધારણા કરવાની કોશિશ પણ કરતાં હોય, ભલે ને થોડાક પણ હોય આવા લોકોના લીધે ગુનેગારો પણ અલ્લાહના અઝાબથી સુરક્ષિત રહે છે અઝાબ તો ત્યારે જ આવે છે જ્યારે ચારો તરફ બુરાઈ ફેલાઈ જાય કારણકે અલ્લાહ ને લોકોને અઝાબ આપવાનો શોખ નથી. (તયસુરુલ કુરઆન)