11:7 ભૌતિક પદાર્થોમાં પ્રથમ પાણી પછી બ્રહ્માંડની રચના...બન્નેની રચનાનો હેતુ આદમનું સર્જન... અને જગત એ પરીક્ષાનું મેદાન...
وَ هُوَ الَّذِىۡ خَلَقَ السَّمٰوٰتِ وَالۡاَرۡضَ فِىۡ سِتَّةِ اَ يَّامٍ وَّكَانَ عَرۡشُهٗ عَلَى الۡمَآءِ لِيَبۡلُوَكُمۡ اَيُّكُمۡ اَحۡسَنُ عَمَلًا ؕ وَلَئِنۡ قُلۡتَ اِنَّكُمۡ مَّبۡعُوۡثُوۡنَ مِنۡۢ بَعۡدِ الۡمَوۡتِ لَيَـقُوۡلَنَّ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِنۡ هٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّبِيۡنٌ (07)
(07). તે તો છે જેણે આકાશો અને જમીનને છ દિવસોમાં બનાવ્યા અને (તે સમયે) તેનું અર્શ(સિંહાસન) પાણી પર હતું, જેથી કે તમને અજમાવી શકે કે તમારામાંથી કોણ શ્રેષ્ઠ અમલ કરે છે, અને જો તમે તેમને કહો: તમે મૃત્યુ પછી જીવિત થશો, તો કાફિર લોકો તરત જ કહી ઉઠશે: આ તો સ્પષ્ટ જાદુ છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ આયત અને હદીસ પરથી જાણવા મળે છે કે આકાશ અને પૃથ્વીની રચના પહેલા પાણીનું સર્જન થઈ ગયું હતું. આ પાણી કઈ હતું અને કેવું હતું એ પ્રશ્નો આપણી સમજની બહાર છે અને આપણે તેને સમજવા માટે બંધાયેલા પણ નથી, જો કે, એ વાત જરૂર જાણવા મળી કે આકાશો અને પૃથ્વીની રચના પહેલા, અલ્લાહનું અર્શ(સિંહાસન) પાણી પર હતું અને સર્જન પછી, આ અર્શ(સિંહાસન) સાત આકાશોની પણ ઉપર છે.
આ આયતમાંથી ઘણી હકીકતો પ્રકાશમાં આવે છે.ઉદાહરણ તરીકે, જમીન અને આકાશ અને બ્રહ્માંડની અન્ય વસ્તુઓની રચનાનો હેતુ આદમ(મનુષ્ય)ને બનાવવાનો હતો. અને આ જમીન, આ આકાશ, આ સૂર્ય, આ ચંદ્ર, આ હવા, આ વાતાવરણ એટલા માટે બનાવવામાં આવે છે કે તેના વિના માણસ જીવી શકતો નથી.
અને આદમ(મનુષ્ય)ના સર્જનનો હેતુ આ દુનિયામાં માણસની કસોટી કરવાનો છે અને કસોટીનું અનિવાર્ય પરિણામ એ છે કે કેટલાક લોકો સારા કાર્યો કરીને સફળ થઈ જાય છે અને કેટલાક ખરાબ કાર્યો કરીને નિષ્ફળ થઈ જાય છે. સફળ અને સારા લોકોને તેમના સારા કાર્યો માટે પુરસ્કાર આપવામાં આવે અને ખરાબ કાર્યો કરનારને સંપૂર્ણ સજા થવી જોઈએ. અને સારા કાર્યો અથવા ખરાબ કાર્યોનો બદલો આપવા માટે એક ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે અને આ સમય દુનિયામાં લાવવો યોગ્ય નથી એટલે આ દુનિયાના અંત પછી એક બીજી દુનિયા એટલે કે પરલોકની દુનિયાને કાયમ કરવામાં આવે છે જ્યાં દરેકને પોતાના સારા અને ખરાબ કાર્યો નો બદલો આપવામાં આવશે. તેથી, પરલોકની દુનિયામા આ લોકની દુનિયામાં મુત્યુ થયેલાઓને તેમના કાર્યોનો બદલો આપવા પુનર્જીવિત કરવા જરૂરી છે.
અને જે લોકો પરલોકની દુનિયાને માનતા નથી જ્યારે તેઓ આવી દલીલો સાંભળે છે તો તરત જ પોકારી ઉઠે છે કે આ તો સ્પષ્ટ જાદુ છે જેણે ઘણા લોકોને મુગ્ધ અને સંમોહિત કરી દીધા છે, પરંતુ આ જાદુની અસર અમારા પર નહીં પડે.