11:46 પયગંબરો આલિમૂલ ગૈબ(અદ્રશ્યના સર્વજ્ઞાતા) નથી હોતાં...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

 આયત નં.:- 46 

====================


قَالَ يٰـنُوۡحُ اِنَّهٗ لَـيۡسَ مِنۡ اَهۡلِكَ ‌ۚاِنَّهٗ عَمَلٌ غَيۡرُ صَالِحٍ ‌‌ۖ فَلَا تَسۡـئَــلۡنِ مَا لَـيۡسَ لَـكَ بِهٖ عِلۡمٌ‌ ؕ اِنِّىۡۤ اَعِظُكَ اَنۡ تَكُوۡنَ مِنَ الۡجٰهِلِيۡنَ‏ (46)

(46). અલ્લાહે જવાબમાં ફરમાવ્યું, ''હે નૂહ ! તે તમારા ઘરવાળાઓમાંથી નથી, કારણકે તેના કાર્ય સારા ન હતાં તેથી જ જે વાતનું તમને જ્ઞાન નથી તેના વિષે મારાથી સવાલ(માંગ) ન કરો, હું તમને શિખામણ આપું છું કે પોતાને અજ્ઞાનીઓ જેવો ન બનાવી લો.''

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"તે તમારા ઘરવાળાઓમાંથી નથી" એટલે કે હઝરત નૂહ (અ.સ.) એ લોહીના સંબંધને ધ્યાનમાં રાખીને તેને પોતાનો પુત્ર જાહેર કર્યો. પરંતુ અલ્લાહે, ઈમાનની બુનિયાદ પર ન હોવાને આધારે તે તમારા પરિવારમાંથી હોવાનો ઇનકાર કરે છે.  કારણ કે એક નબી નું વાસ્તવિક કુટુંબ તે છે જે તેના પર ઈમાન લાવે, પછી ભલે તે કોઈ પણ હોય. અને જો કોઈ ઈમાન ન લાવે તો ભલે તે પયગંબરનો પિતા, પુત્ર અથવા પત્ની હોય, તે પયગમ્બરના પરિવારનો સભ્ય નથી.


"કારણકે તેના કાર્ય સારા ન હતાં..."

આ અલ્લાહે તેનું કારણ સમજાવ્યું જેનાથી માલૂમ થાય છે કે જેની પાસે ઈમાન અને સદ્કાર્ય નથી તેને અલ્લાહના અઝાબથી અલ્લાહના પયગંબર પણ બચાવવાની તાકાત ધરાવતા નથી. આજકાલ લોકો પીરો, ફકીરો અને મજારોની સંગતિને મુક્તિ માટે પર્યાપ્ત માને છે અને સત્કર્મ કરવાની આવશ્યકતા માનતા જ નથી, જો કે સત્કર્મો વગર પયગંબર સાથે સંબંધ હોવા છતાં પણ કામ ચાલ્યું નહીં, તો પછી આ બધાની  સંગત શું કરી શકવાની છે?


"જે વાતનું તમને જ્ઞાન નથી..."

આના પરથી એ જાણી શકાય છે કે પયગંબરો આલિમૂલ ગૈબ(અદ્રશ્યના સર્વજ્ઞાતા) નથી, તેઓ માત્ર એટલું જ જાણે છે જેટલું અલ્લાહ સર્વશક્તિમાન તેમને વહી(સાક્ષાત્કાર) દ્વારા જણાવે છે.  જો હઝરત નૂહ (અ.સ.)ને અગાઉથી ખબર હોત કે તેમની વિનંતી સ્વીકારવામાં આવશે નહીં, તો તેઓ તેને ટાળી દેતા.


"તમને શિખામણ આપું છું કે..."

આ હઝરત નૂહ (અ.સ.)ને અલ્લાહ તરફથી આપવામાં આવેલી એક સલાહ છે, જેનો હેતુ તેમને એવા ઉચ્ચ સ્થાન પર પહોંચાડવાનો છે જે અલ્લાહની હાજરીમાં વિશ્વના વિદ્વાનો માટે અનામત છે.