11:37 હોડી બનાવવાની તૈયારી...અને સર્વનાશ ની થઈ આગાહી...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 37
====================
وَاصۡنَعِ الۡفُلۡكَ بِاَعۡيُنِنَا وَوَحۡيِنَا وَلَا تُخَاطِبۡنِىۡ فِى الَّذِيۡنَ ظَلَمُوۡا ۚ اِنَّهُمۡ مُّغۡرَقُوۡنَ (37)
(37). અને અમારી દેખરેખમાં અને અમારા આદેશ મુજબ એક હોડી(વહાણ) બનાવો, અને જાલિમોના વિશે અમારાથી કોઈ વાતચીત (ભલામણ) ન કરજો તે બધાં જ (હવે) ડૂબવાવાળા છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"અમારી દેખરેખમાં અને અમારા આદેશ મુજબ" એટલે કે હોડી(વહાણ)ની સંપૂર્ણ બનાવટ અમારી નિગરાની હેઠળ અને અમારા કહ્યાં પ્રમાણે લંબાઈ પહોળાઈ તથા અમે જણાવેલ મટીરીયલ પ્રમાણે બનાવો.
આમાં ઘણા વ્યાખ્યાકારોઓ તે હોડી વિષેની લંબાઈ-પહોળાઈ તથા તેમા વાપરવામાં આવેલ સાધનસામગ્રી વિષે જુદી જુદી વ્યાખ્યાઓ આપેલ છે પણ તેની અસલ સ્પષ્ટતા વિષે અલ્લાહ જ બહેતર જાણે છે.
"જાલિમોના વિશે અમારાથી કોઈ વાતચીત (ભલામણ) ન કરજો" એટલે કે
કેટલાકે તેનો અર્થ હઝરત નુહ(અ.સ.)ના પુત્ર અને પત્ની તરીકે લીધો છે જેઓ ઈમાન ન લાવ્યા હતા અને ડૂબવાવાળાઓ માંથી હતા. તો કેટલાકે તેનો અર્થ તેમની સમગ્ર કોમ જે ડૂબવાવાળી હતી, અને નૂહ(અ.સ.)ને કહેવાનો અર્થ એ છે કે તેમના માટે કોઈ મોહલત ન માંગજો કારણ કે હવે તેમના વિનાશનો સમય આવી ગયો છે અથવા તેનો અર્થ એ પણ છે કે તેમના વિનાશ માટે ઉતાવળ ન કરો, સમય અનુસાર તે બધા ડૂબી જશે. (ફત્હુલ કદીર)