11:12 મક્કાના કુરૈશીઓના વાંધા અને માંગણીઓ...

 فَلَعَلَّكَ تَارِكٌۢ بَعۡضَ مَا يُوۡحٰٓى اِلَيۡكَ وَضَآئِقٌ ۢ بِهٖ صَدۡرُكَ اَنۡ يَّقُوۡلُوۡا لَوۡلَاۤ اُنۡزِلَ عَلَيۡهِ كَنۡزٌ اَوۡ جَآءَ مَعَهٗ مَلَكٌ‌ ؕ اِنَّمَاۤ اَنۡتَ نَذِيۡرٌ‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ وَّكِيۡلٌ (12)

(12). (અય નબી ﷺ) ક્યાંક એવું ન થાય કે તમારા પર જે વહી(સાક્ષાત્કાર) કરવામાં આવે છે તમે તેનો કેટલોક ભાગ છોડી દો, અને તે કારણથી તમારુ હૃદય તંગ થતું હોય કે કાફિરો કહેશે કે: આ વ્યક્તિ પર કોઈ ખજાનો કેમ નથી ઉતરવામાં આવ્યો? અથવા તેની સાથે કોઈ ફરિશ્તો કેમ નથી આવ્યો? આપ તો માત્ર ચેતવણી આપનાર છો અને દરેક વસ્તુ પર શક્તિમાન તો અલ્લાહ જ છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આપ(ﷺ) મક્કાના કુરેશીઓના દેવી-દેવતાઓને ન ખરાબ શબ્દ કહેતાં કે ન અપમાન કરતાં પરંતુ માત્ર એટલું જ કહેતાં કે તમારા આ દેવતાઓ ન તો કોઈને નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કંઈપણ સુધારી શકે છે અને બસ આ વાતને લઈને મુશરિકો ગુસ્સે થઈ જતાં હતા કારણ કે આ વાતને તેઓ પોતાના  દેવતાઓનું પણ અપમાન માનતા હતા પોતાનુ પણ અને પોતાના પૂર્વજોનું પણ.

તેમની પાસે આ વાતનો કોઈ વાજબી જવાબ ન હતો તેથી તેના બદલે, તેઓ ક્યારેક અલ્લાહની આયતોની મજાક ઉડાવવાનું શરૂ કરી દેતા તો ક્યારેક તેઓ ઇનકાર કરતા અને ક્યારેક તેઓ કેટલાક વાંધા કે માંગણીઓ શરૂ કરતા. તેમની લગાતાર આવી હરકતના પરિણામે આપ(ﷺ) ના દિલમાં એ ખયાલ આવતો કે તેમને આ આયતો સંભળાવવાનો શું ફાયદો જ્યારે કે તેઓ ઈમાન લાવવાના બદલે ઉલ્ટું ચીઢાઈ જાય છે અને તાના મારવા લાગે છે.


અલ્લાહ તઆલાએ આપને આશ્વાસન આપતાં કહ્યું કે આવી વાતોથી તમારે દુ:ખી અને સંકુચિત ન થવું જોઈએ. જે વહી આપ પર અવતરિત કરવામાં આવે છે તેને સંભળાવી દેવાની જ તમારી જવાબદારી છે અને તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે અલ્લાહ સ્વયં તેમની સાથે નિપટી લેશે.

 

મક્કાના કુરૈશનો એક વાંધો કે માંગણી એ પણ હતી કે જો તમે ખરેખર અલ્લાહના રસૂલ છો તો અલ્લાહ તરફથી તમારા પર કોઈ ખજાનો પણ અવતરિત થવો જોઈતો હતો જેનાથી તમારી આર્થિક સ્થિતિ સુધરી જાય અને તે માલ-દોલતની તાકાત થી તમે લોકોને પોતાના સાથીઓ બનાવી લેતા અથવા કોઈ ફરિશ્તો તમારી સાથે હોવો જોઈતો જેનાથી તમને આધ્યાત્મિક શક્તિ મળી જાય, અને લોકોને પણ તમારી નબુવ્વત પર વિશ્વાસ થઈ જતો અને તેઓ તમારા પર ઈમાન લઈ આવતાં જ્યારે તેમાંથી કોઈ પણ વસ્તુ તમને મળી નથી તો અમે તમારા પર કેવી રીતે ઈમાન લઈ આવીએ? 


આનો જવાબ આપતાં અલ્લાહ કહે છે કે:

આપ કાફિરોની આવી વાતોથી દિલને સંકુચિત ન થવા દો કારણ કે ચમત્કારો બતાવવાની તમારી જવાબદારી નથી તમારી જવાબદારી માત્ર અલ્લાહનો સંદેશ લોકો સુધી પહોંચાડવાની છે અને તેમને તેમના ખરાબ અંતથી ચેતવણી આપવાની છે. રહી વાત ચમત્કારોની તો, ચમત્કારો બતાવવું તે અલ્લાહનું કામ છે, જે બધી જ વસ્તુઓનો માલિક અને મુખ્તાર છે.