11:1 હિકમતવાળી હસ્તી તરફથી...સુદૃઢ અને સ્પષ્ટતાપૂર્વક તથા હિકમતથી ભરેલી વાણી એટલે..."કુરઆન"

 بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

الٓرٰ‌ ۚكِتٰبٌ اُحۡكِمَتۡ اٰيٰـتُهٗ ثُمَّ فُصِّلَتۡ مِنۡ لَّدُنۡ حَكِيۡمٍ خَبِيۡرٍۙ (01)

અલીફ-લામ-રા... આ એક એવી કિતાબ છે કે જેની આયતો હિકમતથી ભરેલી છે, સુદૃઢ અને સ્પષ્ટતાપૂર્વક વર્ણવવામાં આવી છે એક હિકમતવાળી(તત્ત્વદર્શી) અને સંપૂર્ણ જ્ઞાનવાળી હસ્તી તરફથી.

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

            તફસીર(સમજૂતી)

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

સુરહ હુદ મક્કી સુરહ છે આમાં [123] આયતો છે અને [10] રુકૂઅ છે.


આ સૂરહમાં પણ તે કોમોનો ઉલ્લેખ છે કે જેમણે અલ્લાહની આયતો અને પયગંબરોને નકારીને અલ્લાહના અઝાબના આધિન થયા હતા અને ઇતિહાસના પૃષ્ઠોમાંથી કાં તો ખોટા અક્ષરોની જેમ ભૂંસાઈ ગયા અથવા ઇતિહાસના પૃષ્ઠો પર બોધ-ગ્રહણના નમૂના તરીકે રહી ગયા તેથી જ હદીસમાં ઉલ્લેખ છે કે હઝરત અબુ બકર સિદ્દિકે(રઝી.) પયગંબર(ﷺ)ને પૂછ્યું કે: શું વાત છે તમે વૃદ્ધ દેખાવ છો?  તો આપ(ﷺ) કહ્યું કે: "મને સુરહ હુદ, વાકિઆ, અમ્મ-યત-સાઅલુન અને ઈઝશ્શમ્શુ કુવ્વિરત વગેરે એ વૃદ્ધ કરી દીધો છે." (તિરમીઝી- ૩૨૯૭)

"આયતો હિકમતથી ભરેલી છે" એટલે કે શબ્દો અને કાવ્યપંક્તિની દ્રષ્ટિએ એટલી સ્પષ્ટતાપૂર્વક અને નક્કર છે કે તેમની રચના અને અર્થમાં કોઈ ખલેલ નથી.


"સુદૃઢ અને સ્પષ્ટતાપૂર્વક વર્ણવવામાં આવી છે" એટલે કે નિયમો અને સીમાઓ, ઉપદેશો અને કિસ્સાઓ, અકાઈદ(માન્યતાઓ) અને ઈમાનિયત(આસ્થાઓ) અને આદાબ(રીતભાત) અને અખલાક(નૈતિકતા) જે રીતે વિસ્તારથી અને વિગતવાર સમજાવવામાં આવી છે, તેનો દાખલો પાછલી કિતાબોમાં જોવા મળ્યો નથી.


 "એક હિકમતવાળી(તત્ત્વદર્શી) અને સંપૂર્ણ જ્ઞાનવાળી હસ્તી તરફથી" એટલે કે તે તેના ઉચ્ચારમાં જ્ઞાની છે, તેથી તેના દ્વારા પ્રગટ થયેલી વાણી હિકમત (શાણપણ)થી ખાલી નથી અને તે હંમેશાં માટે (જાગૃત) ખબર રાખનાર પણ છે.  એટલે કે તે તમામ બાબતો અને તેના પરિણામોથી વાકેફ છે. તેથી તેના આદેશોને અનુસરવાથી જ મનુષ્ય ખરાબ પરિણામો ભોગવવાથી બચી શકે છે.